LRD બાદ હવે બિન સચિવાલય, સેનેટરી ઇન્સ્પેક્ટર, ટાટ ઉમેદવારોએ આંદોલન શરુ કર્યું

बुधवार, 19 फ़रवरी 2020 (12:06 IST)
લોકરક્ષક દળ ભરતીમાં મહિલા અનામત માટે બિનઅનામત વર્ગ દ્વારા આંદોલન સમેટી લેવાયા બાદ અનામત વર્ગે ઠરાવ રદ કરવાની માગણીને વળગી રહીને આંદોલન ચાલુ રાખ્યું છે અને હવે રાજપૂત સમાજ પણ તેમના સમર્થનમાં આવ્યો છે. બીજી તરફ બિનસચિવાલય, ટાટ, સેનેટરી ઇન્સ્પેક્ટર જેવી રાજ્ય સરકારની વિવિધ ભરતીઓમાં અન્યાયની રજૂઆત મુદ્દે નવા મોરચા ખૂલ્યા છે. સચિવાલયમાં દિવસભર વિવિધ ભરતી અંગે યુવાનો રજૂઆત કરવા માટે ફરતા રહ્યા હતા. રાજ્ય સરકાર તરફથી હાઈકોર્ટમાં જીએડીના 1-8-18નો હાલ અમલ કરાયો નહીં હોવાનું જણાવાયા બાદ પણ અનામત કેટેગરીની છાવણી દ્વારા આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરાઈ હતી. બંધારણીય અધિકાર આંદોલન સંકલન સમિતિના હસમુખ સક્સેનાએ કહ્યું હતું કે ઠરાવ રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે. રાજ્ય સરકાર અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને સાચવવા માટે લોલીપોપ આપે છે તે ગયા પછી અમારી સ્થિતિ એ જ રહેશે. અખિલ ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ કાનભા ગોહિલની આગેવાનીમાં કારડિયા, નાડોદા, ભાથી રાજપૂત સમાજના આગેવાનો પણ સત્યાગ્રહ છાવણીમાં અનામત વર્ગની મહિલા ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે. તેમણે પણ જીએડીનો ઠરાવ રદ કરવાની અનામત આંદોલનકારીઓની માગને સમર્થન આપ્યું છે.

वेबदुनिया पर पढ़ें